વચનામૃત ગઢડા મધ્યનું - ૪૯
સંવત ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી, તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશે મૂર્ખ છે તે તો ભગવાનને ને માયિક આકારને સરખા જાણે છે કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંતકોટિ કલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે. (૧) અને જે ભગવાનના સ્વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેનાં બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે, માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થાતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૯।। (૧૮૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી આ પ્રત્યક્ષ મૂર્તિમાં ને બીજા માયિક આકારમાં ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની ને અતિશે મૂર્ખ છે તે અમને ને માયિક આકારને સરખા જાણે છે, ને માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાશીમાં ભમે છે. (૧) અને જે અમારા સ્વરૂપનું દર્શન ને ચિંતવન કરનારા છે તે અમારા મુક્ત થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં પ્રત્યક્ષ એવા જે અમે તે અમારી મૂર્તિમાં ને માયિક આકારમાં ઘણો ફેર છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજે જ્યારે વાત કરી ત્યારે તો પ્રત્યક્ષ હતા, પણ આજ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ કેવી રીતે જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે સંકલ્પ કર્યો જે અમને મનુષ્ય રૂપે દેખો ત્યારે મનુષ્ય રૂપે દર્શન આપ્યું, અને પછી સંકલ્પ કર્યો જે હવે અમને પ્રતિમા રૂપે દેખો માટે જેમ મનુષ્ય રૂપે દેખાતા તેમ આજ પ્રતિમા રૂપે દર્શન આપે છે, માટે આજ પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે.
૨ પ્ર. ત્યારે એકાંતિકને વિષે પણ ભગવાન રહ્યા છે તે એકાંતિકને ભગવાનરૂપ માનીએ તો એ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ ભગવાન કહેવાય કે નહીં ?
૨ ઉ. એકાંતિકમાં ભગવાન રહ્યા છે પણ એક તો એનો દેહ ને બીજો એનો જીવ ને ત્રીજા શ્રીજીમહારાજ રહ્યા છે, માટે શ્રીજીમહારાજની મૂર્તિની અને મુમુક્ષુની વચ્ચે એકાંતિકના દેહનો ને ચૈતન્યનો એ બે પડદા રહ્યા, માટે એકાંતિકને ભગવાન માનવાથી ભગવાનની પ્રાપ્તિ થાતી નથી.
૩ પ્ર. જેમ શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા તેમાંથી મનુષ્યભાવ ટાળવાનો છે, ને જેમ પ્રતિમામાંથી પ્રતિમાભાવ ટાળવાનો છે તેમ એકાંતિકમાંથી મનુષ્યભાવ ટાળીએ તો પછી એકાંતિકને ભગવાન માનવામાં શો વાંધો છે ?
૩ ઉ. શ્રીજીમહારાજને વિષેથી મનુષ્યભાવ ને પ્રતિમાભાવ ટાળીએ એટલે સાક્ષાત્કાર થાય, અને એકાંતિકને વિષેથી દેહભાવ ટાળીએ તોપણ એના ચૈતન્યનો પડદો રહ્યો તેથી ભગવાનની પ્રાપ્તિ ન થાય, માટે મોક્ષમાં વાંધો આવે છે કેમ જે એકાંતિક તો સાધનદશામાં છે, માટે એનો દેહ તો માયિક છે તે દેહનો નિષેધ કરીએ તેણે કરીને દેહભાવ ટળી જાતો નથી, અને શ્રીજીમહારાજ તો કૈવલ્ય મૂર્તિ છે, માટે એકાંતિકને ભગવાન માનવા એ તો ઘણું ભૂલભરેલું છે.
૪ પ્ર. (પ્ર. ૫૧માં) ભક્તના દેહ-ઇન્દ્રિયોને પુરુષોત્તમરૂપ કહ્યાં છે અને (કા. ૧ના પાંચમા પ્રશ્નમાં) ભક્તના દેહ-ઇન્દ્રિયો ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થાય છે એમ કહ્યું છે એમ જોતાં તો એકાંતિકમાં ને શ્રીજીમહારાજમાં કાંઈ ભેદ રહેતો નથી માટે તે કેમ સમજવું ?
૪ ઉ. શ્રીજીમહારાજના મુક્તને યોગે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને પછી શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે તે ધ્યાને કરીને શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે, એટલે દેહમાં રહ્યો થકો મૂર્તિમાન થઈ જાય છે, અને ઇયળની ભમરી થાય છે એમ કહ્યું છે તે પણ ઇયળના ખોખામાં ભમરીનો દેહ બંધાય છે, તેમ શ્રીજીમહારાજના જ્ઞાને તથા ધ્યાને કરીને જીવ પોતાના દેહમાં રહ્યો થકો મૂર્તિમાન થાય છે, પણ માયિક દેહ-ઇન્દ્રિયો ભગવાનરૂપ થાય છે એમ નથી કહ્યું. શ્રીજીમહારાજ તો કૈવલ્ય મૂર્તિ છે, અને એકાંતિક ભક્તનો દેહ તો માયિક છે તે દેહ ચૈતન્ય થતો જ નથી, અને શ્રીજીમહારાજને જ્ઞાને તથા ધ્યાને કરીને જીવ શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામીને શ્રીજીમહારાજના જેવો સાકાર થાય છે, ને દેહ તો માયામાં પડ્યો રહે છે તે (મ. ૩૪ના પહેલા પ્રશ્નમાં) જીવ અમારો ભક્ત થઈને અમારા ધામમાં જાય છે ત્યારે જડ એવાં જે તત્ત્વ તે પડ્યાં રહે છે એમ કહ્યું છે, માટે તત્ત્વ તો જડ છે તે ચૈતન્ય થાય જ નહીં.
૫ પ્ર. ત્યારે કેટલાક એમ કહે છે કે અમારે વિષે ભગવાન રહ્યા છે તે માટે અમારું ધ્યાન ને સેવા કરો, એટલે તમને શ્રીજીમહારાજ મળશે એમ કહે છે તે શું શ્રીજીમહારાજની મરજીથી જુદું કહેતા હશે ?
૫ ઉ. જે શ્રીજીમહારાજને મૂકીને પોતાનું ધ્યાન કરાવે અને પ્રતિમાને ન્યૂન કહીને પ્રતિમાને વિષેથી લૂખા કરે તે એકાંતિક નથી, ને એને શ્રીજીમહારાજનો સંબંધ પણ નથી, ને અનાદિમુક્તનો કે પરમએકાંતિકનો યોગ પણ એને થયો નથી. માટે શ્રીજીમહારાજનું રહસ્ય એના જાણ્યામાં આવ્યું નથી, એ તો જ્યારે સિદ્ધદશાવાળા પરમએકાંતિકનો કે અનાદિનો યોગ થાય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળીને શ્રીજીમહારાજને તથા મુક્તોને પ્રસન્ન કરે ત્યારે તે મુક્તોની કૃપા થાય ને શ્રીજીમહારાજનું રહસ્ય યથાર્થ સમજાવે ત્યારે એકાંતિક થવાય છે.
૬ પ્ર. એકાંતિકથી પરમ એકાંતિકમુક્ત તથા અનાદિમુક્ત જુદા કહ્યા તે કિયા જાણવા ?
૬ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં સન્મુખ રહ્યા છે તે પરમએકાંતિક કહેવાય છે, અને જે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે તે અનાદિ કહેવાય છે, તે મુક્ત શ્રીજીમહારાજની ઇચ્છાથી અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે પૃથ્વીને વિષે દર્શન આપતા હોય, તેમનો સમાગમ ને સેવા કરીને શ્રીજીમહારાજનો ને એ મુક્તનો મહિમા યથાર્થ સમજે અને સર્વે વાસનાથી રહિત થાય, ત્યારે તે એકાંતિક કહેવાય, તોપણ એનો દેહ તો માયિક છે.
૭ પ્ર. પરમએકાંતિકના તથા અનાદિમુક્તના સમાગમે કરીને દેહ છતાં જ એમના જેવી સ્થિતિ થાય કે કેમ ?
૭ ઉ. એવા મુક્તનો સમાગમ કરીને શ્રીજીમહારાજનું યથાર્થ જ્ઞાન સમજે ને શ્રીજીમહારાજનું ધ્યાન કરે તો દેહ છતાં જ એમના જેવી સ્થિતિ થાય.
૮ પ્ર. પરમએકાંતિક તથા અનાદિમુક્તનો દેહ કેવો જાણવો ?
૮ ઉ. જેમ શ્રીજીમહારાજ કૈવલ્ય મૂર્તિ છે તેમ જ મુક્ત પણ કૈવલ્ય મૂર્તિ છે પણ તેમાં દેહદેહીભાવ નથી.
૯ પ્ર. ત્યારે તો જેવા શ્રીજીમહારાજ છે તેવા જ તે મુક્ત થયા ત્યારે તે મુક્ત પૃથ્વીને વિષે પધારે તે મુક્ત દ્વારે શ્રીજીમહારાજ પ્રત્યક્ષ કહેવાય કે નહિ, ને એ મુક્તનું ધ્યાન થાય કે નહીં ?
૯ ઉ. પરમએકાંતિક તથા અનાદિમુક્ત છે તે તો મુક્ત છે, ને શ્રીજીમહારાજ તો મુક્તના સ્વામી છે, ને પ્રતિમા પણ સ્વામી જ છે, ને મુક્ત દાસ છે માટે મુક્તનું ધ્યાન થાય નહિ ને એ મુક્તોને પ્રત્યક્ષ ભગવાન પણ કહેવાય નહિ; શ્રીજીમહારાજની પ્રતિમાને જ પ્રત્યક્ષ ભગવાન કહેવાય ને પ્રતિમાનું જ ધ્યાન થાય, પણ મુક્તનું ધ્યાન થાય નહીં. તો મૂળઅક્ષર તથા મૂળપુરુષાદિકનું તો થાય જ કેમ ? ન જ થાય. તે (મ. ૧૯/૨માં) અમારા વિના કોઈ અવતારનું ધ્યાન કરવું નહિ એમ કહ્યું છે.
૧૦ પ્ર. ત્યારે (વ. ૧૦ /૨માં) શ્રીજીમહારાજની પ્રતિમાથી મુક્તને ઊંચે નંબરે કહ્યા છે તેનું શું કારણ હશે ?
૧૦ ઉ. જ્ઞાન-ઉપદેશ કરવાની બાબતમાં મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે પણ મુક્તની ભક્તિ એટલે ભજન-સ્મરણ કરવું એમ કહ્યું નથી; ભક્તિ તો પ્રતિમાની કરવી એમ કહ્યું છે, અને મુક્તનો તો જ્ઞાન લેવાને માટે આશ્રય કરવો એમ કહ્યું છે, માટે ફક્ત ઉપદેશ દેવામાં જ મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે, પણ ધ્યાન-ભજન તો મુક્તનું થાય જ નહિ, અને જે મુક્ત હોય તે પ્રતિમાનો મહિમા સમજાવીને પ્રતિમાને વિષે જ વળગાડે, ને પ્રતિમાનું જ ધ્યાન કરાવે માટે જે પોતાનું ધ્યાન કરાવે તેને મુક્ત ન જાણવા, ને એકાંતિક પણ ન જાણવા, તેને તો આધુનિક જાણીને તેનો ત્યાગ કરવો કેમ જે તેનો સંગ કરવાથી મોક્ષ થતો નથી.
૧૧ પ્ર. ત્યારે શ્રીજીમહારાજનો ને એમના મુક્તોનું રહસ્ય શું હશે ?
૧૧ ઉ. (મ. ૫૦/૧માં) શ્રીજીમહારાજે પોતાનું રહસ્ય કહ્યું છે જે અમારી મૂર્તિના તેજમાં તમારા આત્માને લીન કરીને એ તેજમાં અમે ને અમારા મુક્ત રહ્યા છીએ તે અમારે વિષે ને અમારા મુક્તને વિષે પ્રીતિ જોડી રાખવી એ પરમએકાંતિકની સ્થિતિ કહી છે અને (જે. ૧માં) સંતને વિષે આપોપું કરવાનું કહ્યું છે એ અનાદિમુક્તની સ્થિતિ કહી છે તે શ્રીજીમહારાજનું ને મોટા મુક્તોનું રહસ્ય છે, માટે એવી રીતે નિરંતર વર્તવું.
૧૨ પ્ર. માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાશીને વિષે ભમે છે એમ કહ્યું તે માયિક આકાર કિયાં જાણવાં ને નરક ચોરાશી કઈ જાણવી ?
૧૨ ઉ. શ્રીજીમહારાજ પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે વિચરતા હોય તે મનુષ્યરૂપ મૂર્તિને વિષે મનુષ્યભાવ પરઠે, પણ દિવ્ય ન જાણે તે માયિક આકારના ચિંતવન કરનારા કહેવાય, તે નરક ચોરાશીને વિષે ભમે છે એમ કહ્યું છે તે માયારૂપી નરક જાણવું, ને જન્મમરણ તે ચોરાશી જાણવી. એટલે શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને અથવા પ્રતિમાને માયિક જાણીને ચિંતવન કરનારા તે માયા થકી અને જન્મમરણ થકી મુકાય નહિ એમ કહ્યું છે. ।।૪૯।।